
વલસાડ, નવસારી અને સુરત ગ્રામ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા દારૂબંધીના ગુનાઓમાં આરોપી વોન્ટેડ હતો; LCBની ટીમે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મહત્વની સફળતા મળી છે. વલસાડ, નવસારી અને સુરત ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા પ્રોહિબિશન (દારૂબંધી)ના કુલ છ ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પારડીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લા પોલીસની પ્રેસનોટ મુજબ, ઝડપાયેલા આરોપીની ઓળખ સની ઉર્ફે સની ભેલ, ઉંમર 32 વર્ષ, રહે. રૂમ નંબર 101, ગેલેક્સી રેસિડેન્સી, સૈયદ સ્ટ્રીટ, પારડી, જિલ્લો વલસાડ તરીકે થઈ છે.
ખાનગી બાતમીના આધારે આરોપી ઝડપાયો
વલસાડ જિલ્લામાં નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગના પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગદીશસિંહ જાડેજા (IPS)ની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCBની ટીમ કામગીરી કરી રહી હતી.
આ દરમિયાન LCB વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.જી. વસાવા તથા તેમની ટીમ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસમાં હતી. તે દરમિયાન LCBના આસીસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે પારડી ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સની ઉર્ફે સની ભેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારબાદ આરોપીનો કબજો વધુ તપાસ માટે પારડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
ત્રણ વિસ્તારોના પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા
પોલીસની પ્રેસનોટ મુજબ, ઝડપાયેલા આરોપી સામે વલસાડ જિલ્લાના પારડી અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ઉપરાંત નવસારી જિલ્લાના બીલીમોરા પોલીસ સ્ટેશન તથા સુરત ગ્રામ્યના અનાવલ અને મહુવા પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના કુલ છ ગુનાઓ નોંધાયેલા છે.
આ ગુનાઓમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો ઉપરાંત કેટલાક ગુનાઓમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની વિવિધ કલમો હેઠળ પણ કાર્યવાહી નોંધાયેલી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
LCBની ટીમવર્કથી સફળતા
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝની સૂચના અને સતત માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.જી. વસાવા તથા LCBના સ્ટાફના મહેન્દ્ર ગુરજીભાઈ, આસીસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહ અને વલસાડ પેરોલ ફર્લો સ્ક્વોડના આસીસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ બળવંતસિંહ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લા LCBની આ કામગીરીથી લાંબા સમયથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. હાલ આરોપીને વધુ તપાસ માટે પારડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.


